ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમની આકરી કસોટી
ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમની આકરી કસોટી
Blog Article
ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં 0-3થી નામોશીભર્યા પરાજય પછી ભારતીય ક્રિકેટ ટીમ ટુંક સમયમાં જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જ્યાં તે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે પાંચ ટેસ્ટ મેચ રમશે. ભારતે છેલ્લી ચાર સીરીઝથી આ ટ્રોફી ઉપર કબજો જાળવી રાખ્યો છે, જેમાંથી બે સીરીઝમાં તો ટીમે ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે હરાવ્યું હતું.
વાસ્તવમાં તો ઓસ્ટ્રેલિયાનો ઘરઆંગણે છેલ્લે 2014-15માં વિજય થયો હતો, જ્યારે ભારતમાં ઓસ્ટ્રેલિયાએ છેલ્લે 2004-05માં સીરીઝમાં વિજય હાંસલ કર્યો હતો. એકંદરે છેલ્લી 15 સીરીઝમાંથી ભારતનો 10 અને ઓસ્ટ્રેલિયાનો પાંચ સીરીઝમાં વિજય થયો હતો.
આ સંજોગોમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્સની ફાઈનલમાં સ્થાન માટે ભારતે જબરજસ્ત સંઘર્ષ કરવો પડશે. હાલમાં 12 ટેસ્ટ મેચમાંથી 8માં વિજય અને 90 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે પહોંચી ગયું છે, તો 14 ટેસ્ટમાંથી 8માં વિજય અને 98 પોઈન્ટ સાથે ભારત બીજા ક્રમે છે. એ પછી 11 ટેસ્ટમાંથી 6માં વિજય અને 72 પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડ ચોથા તથા શ્રીલંકા 9 ટેસ્ટમાંથી 5 વિજય અને 60 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી ભારતીય ટીમમાં રોહિત શર્મા સુકાની, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઉપસુકાની તથા યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુબમન ગિલ, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ, ઋષભ પંત અને ધ્રુવ જુરેલ (બન્ને વિકેટકીપર), સરફરાઝ ખાન, નિતિશકુમાર રેડ્ડી, રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મોહમદ સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા તથા વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે.
ફાસ્ટ બોલર મોહમમ્દ શમી તથા સ્પિનર કુલદીપ યાદવનો ફિટનેસના મુદ્દે સમાવેશ કરાયો નથી, તો હાર્દિક પંડ્યા તથા અક્ષર પટેલને તક મળી નથી. વોશિંગ્ટન સુંદરે ગયા સપ્તાહે જ પુરી થયેલી ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં બોલિંગ તેમજ બેટિંગ, બન્નેમાં સારો દેખાવ કરતાં તેને તક અપાઈ છે.
મુકેશ કુમાર, નવદીપ સૈની તથા ખલીલ એહમદ રીઝર્વ્ઝ તરીકે ટીમની સાથે પ્રવાસમાં રહેશે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસનો કાર્યક્રમ આ મુજબ છેઃ
તારીખ મેચ સ્થળ સમય (ભારતીય)
22 – 26 નવેમ્બર પ્રથમ ટેસ્ટ પર્થ સવારે 7.50
06 – 10 ડિસેમ્બર બીજી ટેસ્ટ એડીલેઈડ સવારે 9.30
14 – 18 ડિસેમ્બર ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેન સવારે 5.50
26 – 30 ડિસેમ્બર ચોથી ટેસ્ટ મેલબોર્ન સવારે 5.00
03 – 07 જાન્યુઆરી પાંચમી ટેસ્ટ સીડની સવારે 5.00